રાજ્યમાં આંખ આવવાની બિમારીએ મચાવ્યો હાહાકાર, બચવા માટે જાણો ઉપાય
રાજ્યમાં આંખ આવવાની બિમારીએ મચાવ્યો હાહાકાર, બચવા માટે જાણો ઉપાય
ચોમાસું આવતાંની સાથે જ પાણીજન્ય રોગોમાં વધારો થતો હોય છે, એવામાં અત્યારે સુરત તેમજ અમદાવાદમાં આંખ આવવાની બિમારીએ જોર પક્ડું છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ‘વાઈરલ કનઝંક્ટીવાઈટીસ’ ના કેસો નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ-જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે વાઈરલ કનઝંક્ટીવાઈટીસની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.આંખોમાં જોવા મળતો આ વાઈરલ કનઝંક્ટીવાઈટીસથી ગભરાવાની જરૂર નથી, પણ આંખોની સમયસર સારવાર અને વધુ ન ફેલાય તે માટે સાવચેતી સાથે સ્વચ્છતા રાખવી ખુબ જરૂરી છે.
જાણો આંખ કેમ આવે છે?
આ રોગમાં કોઈ ચેપ, ઈજા, એલર્જી કે આંખમાં કોઈ વસ્તુ પડવાના કારણે આંખો લાલ થઈને તેમાં સોજો આવે છે. આંખમાં બળતરા, દુઃખાવો, ખંજવાળ કે કંઈ ખૂંચતું હોવાનો આભાસ થાય છે. આંખમાંથી પાણી પડે છે. તીવ્ર પ્રકાશ સહન થતો નથી અને દૃષ્ટિમાં ઝાંખપ અનુભવાય છે. કેટલીકવાર આંખમાંથી રસી આવવાના કારણે પાંપણ એકબીજા સાથે ચોંટી જાય છે. આ રોગ સામાન્યતઃ બંને આંખમાં સાથે થાય છે.
આંખ આવવાના રોગની ઘરેલુ સારવાર:
જો ખંજવાળ કે સોજો હોય તો ઠંડા પાણીનો શેક કરવો અને જો દુઃખાવો કે રસી આવતી હોય તો ગરમ પાણીનો શેક કરવો. પાંપણને ગરમ પાણીથી સાફ કરવી તથા આંખ ખંજવાળવી નહીં. આ રોગનો ફેલાવો અટકાવવા દર્દીના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું. દર્દીના અંગત વપરાશની વસ્તુઓ અલગ રાખવી તથા હાથ અવારનવાર ધોવા જોઈએ. સામાન્ય રીતે આ રોગ ૭થી ૧૦ દિવસમાં મટી જતો હોય છે પરંતુ જો દુઃખાવો કે સોજો વધતો જતો હોય, ખૂબ જ રસી આવતી હોય, પાંપણ પર ફોલ્લાં કે ચાંદા પડી ગયા હોય તથા ઘરેલુ ઉપચારથી ફાયદો ન જણાતો હોય તો ડોક્ટરની સલાહ લેવી.
રાજ્યમાં વધતા જતા કેસને લઈને તબીબોની સલાહ:
કન્જક્ટિવાઈટિસના દર્દીઓની વધતી સંખ્યાને લઈ તબીબોએ સલાહ આપી છે કે, જાતે સારવાર કરવાને બદલે તબીબનો સલાહને અનુસરી દવા લેવી જોઈએ, જેથી ઝડપથી સાજા થઈ શકાય, આ સ્થિતિમાં લોકોએ જાતે અખતરા ન કરવા જોઈએ.
Important links