Posts

અનેક રોગમાં ઉપયોગી લસણ

અનેક રોગમાં ઉપયોગી લસણ

આ પણા રસોડામાં એવા અનેક મસાલા અને ખાદ્ય સામગ્રીઓ છે જે આપણા હેલ્થને હેલ્થી રાખવાનું કામ કરે છે એમાં હળદરથી માંડી તજનો સમાવેશ કરી શકાય. આ ઉપરાંત બીજું એક સૌથી અગત્યનું દ્રવ્ય છે લસણ. 


લસણનો ઉપયોગ અનેક વાનગીઓને સ્વાદિષ્ટ અને સ્પાઇસી બનાવવા માટે કરવામાં આવે છે. લસણનો ઉપયોગ દવા તરીકે પણ કરવામાં આવે છે આજકાલ અનેક સંશોધનો પછી હૃદયરોગ અને કોલેસ્ટેરોલ માટે લસણને એક ઉત્તમ ઔષધ તરીકે સ્વીકૃતિ મળી છે. તેથી આવા દર્દીઓને ડોક્ટર લસણ ખાવાની સલાહ આપે છે. 

લસણ પરમ વાતશામક છે અને વાયુના મોટાભાગના રોગોમાં આહાર અને ઔષધ રૂપે આપવા જેવું છે. લસણમાંથી જ લશુનાદિવટી બને છે અને તે ગેસને દૂર કરી પાચન સુધારી શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જેમને પાચનને લગતી સમસ્યા હોય તેમણે લશુનાદિવટીનું સેવન કરવું જોઇએ. 

લસણ રસાયન, યૌવનપ્રદ અને બળવર્ધક છે. તેના નિયમિત સેવનથી પાચન સુધરે છે અને તેથી અજીર્ણ અરુચિ, આમવાત, ગેસ પેટનો દુખાવો તથા કબજિયાતને દૂર કરે છે.

શરદી, શ્વાસ અને ક્ષયના દર્દીએ પણ લસણનું સેવન ખાસ કરવું જોઇએ. લસણ દૂધ સાથે કે દૂધમાંથી બનતી વાનગી જેમ કે, ખીર, બાસુંદી કે દૂધપાક સાથે ન ખાવું. ગોળ સાથે પણ લસણ વિરુદ્ધ આહાર બને છે. લસણ ગરમ ન પડે એ માટે ઘીમાં કકડાવીને ખાવું. વાયુના દર્દીએ લસણની ચટણી બનાવી તલનું તેલ નાંખીને ખાવી. 

હાથપગમાં મચકોડ આવ્યો હોય, કમર દુખતી હોય કે શરીરમાં તોડ થતી હોય તો રોજિંદા ખોરાકમાં લસણનો ખાસ ઉપયોગ કરવો. હાડકાંમાં તિરાડ પડી હોય કે ફ્રેક્ચર થયું હોય તેવા લોકોએ તો લસણ ખાસ ખાવું, કેમ કે તેનામાં અસ્થિસંધાનક ગુણ છે. એના ઉપયોગથી હાડકું જલદી સંધાય છે.